રવીન્દ્રનાથ ઠાકુરજીની જન્મ જયંતી

આજે રવીન્દ્રનાથ ઠાકુરજીની જન્મ જયંતી છે. એમના સંપર્કમાં આવેલ કોઈપણ વ્યક્તિ એમનાંથી આકર્ષાયા વગર નહીં રહ્યા હોય. એમના સાહિત્યોમાં ધગધગતી સમાજ વ્યવસ્થાની હકીકત હતી પણ શબ્દો ભીની માટીની સુગંધ જેવા હતા. એટલે જ મને લાગે છે કે, ઠાકુરજી એમના સાહિત્યોને લીધે લોકોના હૃદયમાં સ્થાન પામ્યા હશે.

કાબુલીવાલા એમની રચના મારા હૃદયની ખુબ જ નજીક છે. એમની એ રચના મેં નિહાળ્યા બાદ, સંક્ષિપ્તમાં સમીક્ષિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

મને થયું કે આજે સમય સારો છે એટલે એ અહેવાલ હું અહીં મુકવા ઈચ્છું છું. આપ મિત્રો વાંચશો એવી આશા.

=========================

મેં જ્યારે રવીન્દ્રનાથ ટાગોરની "કાબુલિવાલા" વાંચી
- કમલ

હું વિજ્ઞાનશાખાનો અભ્યાસી છું એટલે ધોરણ ૧૦ પછી કોઈપણ પ્રકારનાં ગુજરાતી કે અન્ય ભાષાનાં સાહિત્ય સાથે મારો ૩૬ નો આંકડો થઇ ગયો હતો. એટલે જ તો અત્યાર સુધી રવીન્દ્રનાથ ઠાકુર જેવા મહાન વ્યક્તિની રચનાઓથી વંચિત રહ્યો છું.

પરંતુ હવે ઘણા પ્રકારના અભ્યાસીઓ સાથે મિત્રતાનો વ્યવહાર બંધાયો છે અને એ જ મિત્રોમાંથી અમુક ગુજરાતી અને બીજી તમામ ભાષાના સાહિત્યને પોતાનો પડછાયો માનવાવાળા પણ સામેલ છે અને એમાંથી જ એક મિત્ર એ મને આ કાબુલીવાલા જેવી ઉત્કૃષ્ટ રચના વાંચવાની તક આપી.

અત્યાર સુધી રવીન્દ્રનાઠ ઠાકુરજી એટલે એજ વ્યક્તિ તરીકે મગજમાં છાપ હતી કે, એ મહાપુરુષ જેમણે ભારતીયોને એમનું રાષ્ટ્રગીત “ નેશનલ એન્થમ” આપ્યું છે. કાબુલીવાલા જેવી રચના એમ જોવા જઈએ તો મારા માટે વાંચનની દ્રષ્ટીએ રવીન્દ્રનાથ ઠાકુરજીની દુનિયામાં પ્રથમ પગલું કહી શકાય. મેં શરૂઆત જ અહિયાંથી કરી હતી. દિર્ગદર્શક અનુરાગ બસુ એ પણ પ્રયત્ન કર્યો છે આ વાર્તાઓને ચલચિત્ર રૂપે સમાજની સામે મુકવાનો. એ પ્રયત્ન ખરેખર વખાણવા યોગ્ય છે અને થોડામાં ઘણું કહી જાય એ રીતે પ્રસ્તુત કરે છે.

આ વાર્તા છે ત્રણ વ્યક્તિની. એક તો ૮ એક વર્ષની મિની, તેના પિતાજી અને કાબુલીવાલા કે જે કલકતા શહેરમાં રહે છે. મિનીના પિતાજી એક લેખક છે અને એમની વ્યવસાયિક બેઠક પણ ઘરમાં જ છે. મિનીને ખુબજ નટખટ અને બોલકણી સ્વભાવની બતાવી છે. કાબુલીવાલા ઉર્ફ રહેમાન, એ સમયે અફઘાનિસ્તાનથી ધંધો કરવા ભારત આવતા વ્યક્તિનું પાત્ર છે. જે આખું વર્ષ પોતાના દેશની પ્રચલિત વસ્તુઓને ભારતમાં વહેંચીને ધંધો કરે છે, જેથી પેટ પરનાં પાટા ઢીલા પડે. એ લોકો આખું વર્ષ ધંધો કરે અને વર્ષના અમુક દિવસો પોતાના પરિવાર સાથે પસાર કરવા પાછાં પોતાના દેશ ફરે.

મને તો કાબુલીવાલા વાર્તા વાંચ્યા પછી એજ અનુભવ થયો કે, આ મિનીના પિતાજી પોતે રવીન્દ્રનાથ જ હોવા જોઈએ! આટલો શાક્ષીભાવ અને એ પણ એક રચયિતા તરીકે, એ ઘણું અઘરું છે અને આટલાથી બધું પૂર્ણ નથી થતું, પરંતુ આ શાક્ષીભાવ સાથે સાથે વાર્તાની પકડ પણ જાળવી રાખવાની છે જે એ કામ ઠાકુરજી એ ખુબજ ચિવટતાથી પાર પાડ્યું છે. દરેક પાત્રોને સમાન મહત્વ આપવું એ કોઈ ઠાકુરજી પાસેથી શીખે.

કાબુલીવાલા વાર્તા એ બાપ-દીકરીના સબંધોની ચરમ સીમાનો ભાસ કરાવી જાય છે. એક બાપ માટે દીકરી શું હોઈ શકે એ કદાચ કાબુલીવાલાથી શ્રેષ્ઠ બીજી કોઈ જ રચનાઓ એ અનુભૂતિ કરાવી નથી. ક્ષિતિજની સામે મીટ માંડતા માંડતા જેમ સૂર્યની ચાલ જોવાનો અનેરો આનંદ આવે છે એવી જ રીતે આ રચનાનો પણ એવો જ કૈંક અલગ પ્રકારનો આનંદ છે.

એક બાળક જીવની હઠ, તાલાવેલી, જીજ્ઞાસા, ભોળપણ અને કાલ્પનિક વાતોને વળગી રહીને નિર્ણયો લેવાની સમજણ જેવા સહજ મુલ્યોને ઠાકુરજી એ ગલગલીયા કરાવી દે એ અંદાજમાં રજુ કર્યા છે. એક દીકરીના પિતા તરીકે નહી પણ એક જાજરમાન, સમજદાર, શિક્ષિત અને સંસ્કારી વ્યક્તિ તરીકે મિનીના પિતાને મુલ્યવાન કર્યા છે. નટખટ છોકરીના પાલનપોષણ અને તેણીની સંપૂર્ણ જવાબદારી ફક્ત તેના પર જ છે એવી યોગ્ય પણ અતીવૈચારિક માતાને વાર્તા અનુસાર યોગ્ય ઠબે રજુ કરી છે. ક્યારેક એવું લાગી આવે છે કે મિનીના પિતાજીના આટલા સમજાવ્યા પછી પણ શું કામ મિનીની માતાને મીનીને કાબુલીવાલા પ્રત્યે સબંધો ખાટા પડે એમાં જ રસ હતો? એજ તો સ્ત્રી હઠ છે જે વાર્તામાં બતાવી છે. વ્યક્તિ ભલેને દુનિયાના કોઈપણ છેડાનો હોય પણ તેની દીકરી માટે તેનો વ્યવહાર હંમેશા કુણો હોય છે. એક બાજુ દુનિયા અને એક બાજુ એની વ્હાલસોયી દીકરી. મિનીના પિતાજી અને કાબુલીવાલા બંનેનો વ્યવહાર મિની માટે જે બતાવ્યો છે એ વાંચે એ જ જાણે.

કાબુલીવાલા અને મિનીની પ્રથમ મુલાકાતમાં ઠાકુરજીએ એક પિતાની ફરજ, એક બાળકની માન્યતા અને એના પર જ વિશ્વાસ કરવાના અભિગમને ખુબજ વ્યવહારિક રીતે રજુ કર્યું છે. કાબુલીવાલા અને મિનીની વચ્ચેના સબંધો અને વ્યવહારતો વાર્તામાં જ માણવી જરૂરી છે. એક બહારગામનો વ્યક્તિ શું કામ પોતાના દરેક દર્દ અને સમજણ એક બાળકી પાસે આવીને ભૂલી જતો અને એની કાલી-ઘેલી ભાષામાં ઓતપ્રોત થઇ જતો એ ઠાકુરજીએ વાર્તામાં ખુબજ સરસ રીતે વર્ણન કર્યું છે.

ઠાકુરજીએ આ વાર્તાથી ધાર્મિક સહિષ્ણુતાનો પણ ખુબજ સચોટ દાખલો આપ્યો છે. કાબુલીવાલા અને મિનીની ગાઢ મિત્રતા થયા બાદ એક વખત કાબુલીવાલા મિનીને રોજીંદા સમયે મુલાકાત લઇ ન શક્યા તો મિનીએ સમય અનુસાર રાહ જોઈ પણ કાબુલીવાલા આવ્યો નહિ એટલે મિનીએ એમના પિતાજીને પૂછ્યું કે, આ કાબુલીવાલો હજી સુધી કેમ મને મળવા ન આવ્યા ? એટલે એમના પિતાજી મિનીને કઇંક સમજાવે છે અને તરતજ મીની નીચે બેસીને નમાઝ પઢતી હોય એમ એવી મુદ્રામાં બેસીને પ્રાર્થના કરવા લાગે છે અને પિતાજી પૂછે છે કે, “મિની આ તું શું કરે છે?” - ત્યારે મીની કહે છે કે, “આ કાબુલીવાલાએ મને કહ્યું હતું કે હું જયારે મુસીબતમાં હોવ છું ત્યારે મારા ભગવાન પાસે આ રીતે બેસીને માંગી લઉં છું”-. પણ એ સમયે એક બ્રાહ્મણ કુટુંબનાં હોવા છતાય એ સમયમાં મિનીની આ પ્રક્રિયાને તેના ભોળપણમાં લઈને ઠાકુરજીએ ધાર્મિક સહિષ્ણુતાનો બહુ મોટો દાખલો આપ્યો છે. આ એક વ્યક્તિ તરીકેની માણસાઈ અને સમજણ શક્તિનો પાઠ ખુબજ સરળતાથી સમજાવી દીધો.

જ્યાં વસંત હોય ત્યાં પાનખર ને આવવું જ રહ્યું એવી જ રીતે ઠાકુરજીએ વાર્તામાં એક દુખદ વળાંક આપ્યો છે જ્યાં લુચ્ચા ગ્રાહકે કાબુલીવાલાના હકની મૂડી આપવાની ના પાડે છે ત્યારે કાબુલીવાલાએ તેમના સ્વભાવ અનુસાર અને પોતાના પેટ ખાતર ન કરવાનું કરી બેશે છે. જેનાથી કાબુલીવાલાને ૮-એક વર્ષની જેલની સજા થાય છે.

હવે આ કપરા કાળમાં એક વ્યક્તિએ કઈ રીતે પોતાના જીવ સમાન છોકરી વગર સતત ૮ વર્ષ જેલમાં કાઢ્યા એનું ચિત્રણ પણ ખુબજ ભાવથી થયું છે. કાબુલીવાલા જયારે જેલ માંથી પાછો ફરે છે ત્યારે બધુ પહેલા હતું એવું ન હતું. મિની હવે મોટી થઇ ગઈ છે અને એના લગ્ન પણ એજ દિવસે છે જયારે કાબુલીવાલા જેલ માંથી છૂટે છે. કાબુલીવાલા મિનીને મળવા એટલા આતુર છે કે એ મિનીના ઘરે જઈ પડે છે. પરંતુ ત્યારની શિક્ષિત વર્ગની પણ કુશંકાઓ અને સંકુચિત માન્યતાને ઠાકુરજીએ મિનીના પિતાજી દ્વારા ખુબજ સારી રીતે બતાવી છે.

મિનીના પિતાજી એમ માની બેશે છે કે મિનીના પ્રસંગમાં કાબુલીવાલા અશુભ નીવડી શકે છે. એટલે મિનીના પિતાજી કોઈ કારણો સર મિની તમને મળી શકશે નહિ એવું કહી ને એમને વળતા કરે છે પણ જતા જતા કાબુલીવાલા અને મિનીના પિતાજી વચ્ચે જે સંવાદ અને ચિત્રણ જે ઠાકુરજીએ ઉભું કર્યું છે એ જેટલી વાર વાંચો એટલી વાર નયનમાં અશ્રુની ધાર ઉભી કરે છે. પરંતુ એ સંવાદ પછી કાબુલીવાલા માટે થયેલા મિનીના પીતાજીમાં આંતરિક બદલાવ એ આ વાર્તાનું હાર્દ છે. જે હું અહી લખી શકું એમ નથી!

રવીન્દ્રનાથ ઠાકુરએ વાસ્તવિક પરિસ્થતિઓને ગૂંથીને જે માણસાઈનું કાપડ તૈયાર કર્યું છે એ અતિ મુલ્યવાન છે. ઠાકુરજીએ એમના જીવનના ક્ષણે ક્ષણનો ઉપયોગ સામાજિક પરિસ્થતિઓ અને સંવેદનાઓ સાથે શાક્ષી ભાવે રહીને સમાજને ઉપયોગી થઇ રહે એવી રચનાઓનું ચિત્રણ કંડારવામાં કર્યું છે. જેમ કે, આ કાબુલીવાલા જેવી રચનાથી માણસાઈ, વિશ્વાસ, પ્રેમ, બાપ-દીકરી વચ્ચેનો પ્રગાઢ પ્રેમ, અતિ તાલાવેલી, એક વિદેશી સાથે થવો જોઈએ એવો અને એક ભારતીય તરીકે શોભે એવો વ્યવહાર જેવા અમુલ્ય સંસ્કારો અને માનવીય મુલ્યો કે જે બીજે ક્યાં મળવાના છે.

રવીન્દ્રનાથ ઠાકુરને ફરી ધન્યવાદ આવી ઉત્કૃષ્ઠ કાબુલીવાલા જેવી રચના બદલ.

- કમલ ભરખડા

  Never miss a story from us, get weekly updates in your inbox.