સ્ટોરી મિરર માટે- રેખા પટેલ (વિનોદિની), ડેલાવર (યુએસએ)
હું રેખા વિનોદ પટેલ , 2૫ વર્ષથી અમેરિકાના ડેલાવર સ્ટેટમાં રહુ છુ. મુળ વતન ગુજરાતના ચરોતરનું વાલવોડ ગામ, પરંતુ બચપણ થી લઈને યુવાની ભાદરણમાં વીતી હતી. ત્યાંજ રહીને બીએસસી કેમેસ્ટ્રીનું ભણતર પૂરું કર્યું. લગ્ન બાદ અમેરિકા આવવાનું બન્યું.
હું ગૃહીણી અને બે દીકરીઓની માતા છું. મારાલેખન કાર્યની શરૂઆત કવિતાઓથી કરી હતી, આજે ગઝલ, કવિતા, વાર્તા અને નવલકથા અને આર્ટીકલ્સ લખું છું. મારા પતિ વિનોદનાં સાથ અને પ્રોત્સાહનને કારણે ટુંકા સમય ગાળામાં હું અહી સુધી પહોચી શકી છું. આથી મેં મારું ઉપનામ " વિનોદિની " રાખેલછે.
લેખનકાર્યની શરૂઆતમાં મારી ટુંકીવાર્તાઓને ‘ચિત્રલેખા, માર્ગી, ફીલિંગ્સ, અને અભિયાન જેવા મેગેઝીનમાં સ્થાન મળ્યું.
ત્યારબાદ કોલમિસ્ટ તરીકે પણ કારકીર્દીની શરૂઆત થઈ. સહુ પ્રથમ અમેરિકા વિશેની રસપ્રદ માહિતી આપતી "અમેરિકા આજ કાલ” નામની મારી કોલમ “ફીલિંગ્સ" મેગેઝીનમાં બે વર્ષ ચાલી હતી.
ત્યારબાદ ગુજરાતી મેગેઝીન "અભિયાનમાં" વીકલી કોલમ " અમેરિકાના ખત ખબર " બે વર્ષ પ્રસિદ્ધ થઈ રહી.
હાલમાં હું ફીલિંગ્સ સાથે ફરી જોડાઈ મારા પ્રવાસ વર્ણન " દેશ વિદેશની વાતો" કોલમ લખી રહી છું. સાથે દિવ્યભાસ્કર ઓન લાઈન સાથે NRG ન્યુઝ રિપોર્ટર તરીકે જોડાઈ છું. અમેરિકામાં ન્યુ જર્સી સ્થિત "ગુજરાત દર્પણ" અને એટલાન્ટાના "રાષ્ટ્ર દર્પણ" માં મંથલી કોલમ આપું છું.
આ વર્ષે ફેબ્રુઆરી ૨૦૧૮માં ત્રણ પુસ્તકો પૈકી "તડકાનાં ફૂલ" - ટુંકી વાર્તાઓ, "એકાંતે ઝળક્યું મન " - કવિતાઓનું પુસ્તક , " અમેરિકાની ક્ષિતિજે" - અમેરિકા વિશેના અવનવા આર્ટીકલ્સ - જે પાર્શ્વ પબ્લીકેશન અમદાવાદથી પબ્લીશ થયેલા છે
આ પહેલા ગુર્જર પ્રકાશન માંથી ટૂંકી વાર્તાઓનો સમૂહ " ટહુકાનો આકાર, સાથે બે પુસ્તકો લીટલ ડ્રીમ્સ, સાથે નવલકથા લાગણીઓનો ચક્રવાત, પાર્શ્વ પબ્લીકેશનમાં, એમ કુલ મળીને છ પુસ્તકો ચાર વર્ષમાં પબ્લીશ થયેલા છે.
હ્યુસ્ટન સ્થિત સહિયારા સર્જન ગ્રુપ સાથે જોડાઈને બીજા ત્રણ પુસ્તકો ક્રિયેટ સ્પેસ ઉપર ઉપલબ્ધ છે. આજ ગ્રુપ સાથે જોડાઈને "સંવર્ધન માતૃભાષાનું" નામના મહા ગ્રંથનો ભાગ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
વરસોથી દેશથી દુર છું છતાય ભારતીયતા વાણી અને વર્તનમાં રાખવી મને પસંદ છે. તેથી મારી મોટાભાગની વાર્તા આપણી સંસ્કૃતિને આજુબાજુ વણાએલી હોય છે. એક સમય હતો કે અમેરિકા જેવા દેશોમાં ગુજરાતી વાંચનની ભારે અછત હતી. ત્યારે મારા જેવા હજારો પુસ્તક પ્રેમીઓને આની ભારે ખોટ લાગતી. વાંચ્યા વગર મને એકપણ દિવસ ચાલતું નહોતું. એવા સમયમાં હું દેશમાંથી ખાસ પુસ્તકો લઇ આવતી. છતાં પણ પુરતા પડતા નહોતા. છેવટે ઈન્ટરનેટની સુવિધાને કારણે વાંચન સાથે લેખન કાર્યની સુવિધા મળી. આજ કાર્યને આગળ વધારવા માટે મે ડેલાવરમાં ગુજરાતી હિન્દી સાહિત્ય માટે ફ્રી લાઈબ્રેરી શરુ કરી છે. સાથે વધુ વાંચન માટે મારો બ્લોગ પણ વિકસાવ્યો છે. જેમાં મારા પબ્લીશ થયેલા દરેક લખાણ સુવ્યવસ્થિત રીતે મળી આવે છે.
http://vinodini13.wordpress.com/
આજકાલ ઇન્ટનેટ અને સોશ્યલ મિડીયાને કારણે અને ગુજરાતી બચાવો ના આંદોલનને કારણે ગુજરાતમાં પણ માતૄભાષાને નવુજીવન દાન મળ્યુ. જેના કારણે સરકારી કચેરીઓ, અને શૈક્ષણિક સંસ્થાઓમાં હવે ગુજરાતી ભાષાનો ઉપયોગ વધી ગયો છે.
ગુજરાતમાં પણ હવે અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે અમેરિકામાં ઘરમાં ગુજરાતી બોલવાનો બાળકોને પોતાની ભાષા શીખવવાનો પ્રયત્ન વધુ રહ્યો છે. વિદેશમાં સ્થાઈ થયેલા પરિવારો દેશથી દૂર રહેવાને કારણે અંતરમાં દેશની યાદ વધુ રહે છે. પરીણામે તેઓ માતૃભાષાને વધારે મહત્વ આપતા હોય છે.
ભાષાની ખોરવાઈ રહી છે, આ સમસ્યાને હલ કરવા ગુજરાત સરકાર પણ મદદે આવી છે. આ માટે શિક્ષકો, ન્યુઝ પેપર, ટીવી પ્રસારણ માધ્યમ, સમાજ, અને અન્ય સંસ્થાઓ પ્રયત્ન શીલ બન્યા છે.
આવા સંજોગોમાં ગુજરાતી ભાષાને આધુનિક ટેકનોલોજીથી સમૃદ્ધ બનાવવાના તેમ જ તેને લોકો સુધી પહોંચાડવા માટે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા જે પણ લોકો બ્લોગ કે ઓનલાઈન પ્રકાશિત થતી વેબસાઈટ દ્વારા વાંચનનો ફેલાવો કરી રહ્યા તેમના કાર્યને સરાહાવું જોઈએ. ભાષાને પ્રેમ કરતાં લોકો માટે અને સ્ટોરીમિરર જેવી વેબસાઈટની આવી ઓન લાઇન મદદ બહુ કામની બની રહે છે. આમા મદદ કરનાર દરેક્ને ધન્યવાદ આપવો ઘટે.
"હાથમાં પુસ્તક હોય તેને વાંચવામાં ઘૂંટડે ઘૂંટડે પાણી પીતા હોઈએ એવો ભાવ આવે છે. જ્યારે ઈન્ટરનેટ ધ્વારા વંચાતું સાહિત્ય એક શ્વાસે ખાલી કરાએલા પાણીના ગ્લાસ જેવું લાગે છે. તરસ બંનેથી છીપાય છે. પરંતુ મઝા બેવમાં અલગ છે."
" હું એકજ વાત હંમેશા કહેતી આવી છું કે સારું પુસ્તક જીવનમાં પ્રગતિ તરફ લઇ જશે. વિચારોને ઉચ્ચતા આપશે. જેમ ઉત્તમ મા સો શિક્ષકોની ગરજ સારે છે તેમ ઉત્તમ પુસ્તક સો સાઇકોલોજીસ્ટ ડોક્ટરોની ગરજ સારે છે. મનથી નીરોગી રહેવા ઉત્તમ વાંચનને જીવનનો ભાગ બનાવવો આવશ્યક છે."