ભારતીય ફિલ્મ જગતની તેજોમય દીવડી ઓચિંતી ઓલવાઈ ગઈ.
જેની અદાકારી અને રૂપના કામણની કાયલ હોય એવી ત્રણ પેઢીની લોકપ્રીય અભિનેત્રી શ્રીદેવી ગત રાતે દુબઈમાં પારિવારિક લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયેલ અને હ્રદયના તિવ્ર હુમલાને તાબે થઈ એના કાંતિવાન દેહે પરમાત્મની શરણાગતિ સ્વીકારી લીધી. અંતિમ તસ્વીરની ઝલક ટી.વી. સમાચારો અને ઈન્ટરનેટના માધ્યમો દ્વારા જોવા મળી જેમાં લગ્નસરામાં શોભનીય લાગે એવાં આભૂષણો અને ભારતીય જાકજમાળવાળાં પરિધાનમાં એવોની સદેહે ચોપન વર્ષની આયુમાં પણ ઉત્કૃષ્ઠ મરમરની મૂર્તિ સમ લાગતાં હતાં. પતિ બોની કપુર અને દીકરી ખુશી એ સમયે સાથે હતાં. બીજી પુત્રી જાહ્નવી હાલ ભારતમાં જ છે અને એમનો પાર્થિવ દેહ દુબઈથી મુંબઈ લવાશે એવા સમાચાર સૂત્રોની યાદીમાં છે.
આ ક્ષણે, એમની યાત્રા તરફ નજર કરીએ તો નાનપણથી જ ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં જેમણે પારંગતતા હાંસલ કરી હતી અને સાવ બાળપણથી જ કચકડે જેમના અભિનયના આયામો ઝળક્યાં હતાં એવાં આ શ્રીદેવીનું અસલ નામ અમ્મા યંગર અયપ્પમ હતું. તેઓની બાળ કલાકાર તરીકે તમીલ ફિલ્મોથી શરૂઆત કરી હતી અને હિન્દી ફિલ્મમાં ૧૯૭૧માં જૂલી ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી લક્ષ્મીની નાની બહેનના પત્રમાં પદાર્પણ કર્યું હતું. સદમા, ચાંદની, ગુમરાહ, ચાલબાઝ, મી.ઈન્ડિયા, નગીના અને ખુદાગવાહ જેવી ફિલ્મો એમની યાદગાર છે. હાલમાં, આવેલ અને ખૂબ વખણાયેલ ફિલ્મો ‘ઈગ્લિશ વિંગ્લીશ’ અને ‘મોમ’ના પાત્રને બખૂબી નિભાવ્યું હતું. અંતિમ સફર તરીકે, શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ઝીરોમાં એમને સજીવન જોઈ શકાશે.
કેટલાંય ફિલ્મી અને સામાજિક એવોર્ડ મેળનાર આ અભિનેત્રી કેટલીય અભિનંય વાંછુઓની આદર્શ રહી છે અને રહેશે. વડાપ્રધાન મોદી સાહેબ, એમના સમકાલિન અભિનેતા રજનિકાંત, ધર્મેન્દ્ર – સૌંદર્ય સામગ્રી હેમા માલીની અને આજની ચહિતી અભિનેત્રી આલિયા ભટ્ટ વગેરે અનેક હસ્તીઓએ એમને ઠેરઠેર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સૌથી વધુ એમની ફિલ્મના પડદે એમના દેર અનિલ કપુર અને ૠષિ કપુર સાથે જોડી જામતી. હાલમાં ખૂબ લોકપ્રિય થયેલ સિયલ ‘યે ઉન દિનો કી બાત હૈ’માં નેવુંના તબક્કામાં એતો યુવા હૈયાંમાં રાજ કરતાં એવું સ્પષ્ટ અણસાર આવે છે.
હોળીની ઉજવણીની શરૂઆત કરવા જઈ રહેલ આજના રવિવારની સવારે શ્રીદેવીના અવસનના સમાચારે સૌને વિચારતાં કરી દીધાં કે હે પ્રભુ, તારા દરબારમાં કેવી લીલા છે આ, સઘળું અહીં ક્ષણભંગૂર જાણે !
સૌંદર્ય અને કલાની જેની પર અસિમ કૃપા રહી એવા આ અભિનેત્રીને શબ્દાંજલિ.
કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’